અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2020 સોમવાર
છેલ્લા થોડા સમયમાં ભારતમાં સંખ્યાબંધ ‘ફિનટેક’ સ્ટાર્ટઅપ્સ શરૂ થયાં છે. આ પ્રકારનાં સ્ટાર્ટઅપ્સ ફાઇનાન્સ અને ટેકનોલોજીનો મેળ બેસાડતાં હોવાથી તે ‘ફિનટેક’ તરીકે ઓળખાય છે.
ફિનટેક સ્ટાર્ટઅપ્સમાં ઘણા પ્રકારના બિઝનેસ છે, તેમાંનો એક પ્રકાર એપના આધારે નાની રકમની ટૂંકા ગાળાની લોન આપવાનો છે. ભારતમાં બેન્ક અથવા અન્ય ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન તરફથી લોન મેળવી શકાય છે, પરંતુ સામાન્ય રીતે તેમાં વિવિધ પ્રકારનાં ડોક્યુમેન્ટ્સ આપવાં જરૂરી હોય છે. લેન્ડિંગ એપ્સમાં આવી ઝંઝટ ન હોવાથી તે વધુ લોકપ્રિય થવા લાગી છે. પરંતુ હવે બહાર આવી રહ્યું છે કે આવી એપ્સનો લાભ લેનારા લોકો માટે હવે નવા પ્રકારની ઉપાધિ ઊભી થઈ રહી છે.
લોકડાઉન દરમિયાન સરકારે મોરેટોરિયમ જાહેર કરેલ હતું પરંતુ એ પૂરું થયા પછી લેન્ડિંગ એપ રીતસર પઠાણી ઉઘરાણી કરવા લાગી છે અને તેમાં ટેકનોલોજી તેમનો સાથ આપી રહી છે.
ફોનમાં આવી લેન્ડિંગ એપ ઇન્સ્ટોલ કરતી વખતે આપણે તેને ક્યા પ્રકારની પરમિશન્સ આપીએ છીએ તેના તરફ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ આવી પરમિશન્સને કારણે લેન્ડિંગ એપને આપણા નિકટના સ્વજનોના નંબર્સ પણ મળી જતા હોય છે.
પરિણામે જ્યારે કોઈ વ્યક્તિ લોન સમયસર ભરવામાં નિષ્ફળ જાય ત્યારે શરૂઆતમાં તેને કહેવામાં આવે છે કે લોન ભરપાઈ નહીં થાય તો તેમના સગા સંબંધીને તેની જાણ કરવામાં આવશે. જો લેનાર કોલેજિયન હોય તો તેની કોલેજના પ્રિન્સિપાલ સુધી વાત પહોંચાડવાની પણ ધમકી આપવામાં આવે છે!
source https://www.gujaratsamachar.com/news/science-technology/a-new-type-of-problem-in-a-short-term-loan-based-on-the-app
0 Comment to "એપના આધારે મળતી ટૂંકા ગાળાની લોનમાં નવા પ્રકારની ઉપાધિ"
Post a Comment